Poem publish

ઘર

જગના ખૂણે ખૂણા ફરી વળું,

એક યાત્રાળુ હું,

ઘેર આવું ત્યારે નિરાંત થાય.

 

એવું તે શું છે ઘરમાં?

એની એટિકમાં

હૂંફના કોથળા ભર્યા પડ્યા.

 

મંદ મંદ સ્મિત આપતું ઘર

એના શયનખંડમાં જાદૂ,

રસોડામાં ગંધ વઘારની.

 

દીવાલો પર લટકતા ફોટામાં

સ્મૃતિઓ અપાર લટકાળી,

જેમ ફાવે વર્તી શકાય ઘરમાં,

ના કોઈની સાડાબારી.

 

એવું તે શું છે ઘરમાં?

ઉંદરને ગમે રહેવું એના દરમાં,

ભલેને વિશાળ જંગલ મળ્યું ખેલવા કૂદવા.

મને ગમે રહેવું મારા ઘરમાં

હોંસલો

હોંસલો મારો કદી ઓસરે ના,

જો ઓસરે તો ઉડી જાઉં બાષ્પ બની.

જો હોંસલો નથી, હું નથી

શું કામ હું હોઉં?

 

જો પાંખ નથી,

ઊંચી ઉડાન નથી

જો હોંસલો નથી

તો એ કાયામાં જીવ નથી.

 

એ હૃદય ખાલી ખાલી

જો હોંસલો નથી.

જો હૃદય છે તો ધડકન નથી.

જો ધડકન છે તો એમાં દમ નથી.

 

જો હોંસલો નથી, હું નથી

શું કામ હું હોઉં?

બળબુદ્ધિ

હું જંગ જીતી ના શક્યો,

કુદરતની આફતો સામે.

મારે નમવું પડે નહીંતર 

હું રફેદફે થઈ જાઉં,

કાંઈ કહેવાય નહીં.

 

આફતોની સામે,

અણુથી ય નાનો જીવ મારો.

કુદરતનીએક જ થપાટ વાગતાં 

હું હતો-નહોતો થઈ જાઉં,

કાંઈ કહેવાય નહીં.

 

વંટોળને જોયો છે?

ધરાશાયી થતાં 

મકાનોની ચીસો સાંભળી છે?

ધરતીકંપ સુનામીને ઓળખો છો?

પૃથ્વીને ડુબાવી દે,

એવું બળ ભર્યું છે એમના બાહુમાં,

મને ફૂંક મારી ઉડાવી દે,

કાંઈ કહેવાય નહીં.

 

મારાં બળબુદ્ધિ મર્યાદિત 

કુદરત મને ના મારી શકે 

જો હું પૃથ્વી બહાર 

આધાર વિના અધ્ધર જીવી શકું.

કાંઈ કહેવાય નહીં.